મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ ઘર ઘર સુધી પહોંચ્યો છે, જેના પરિણામે લોકો આર્થિક રીતે મજબૂત થઈ રહ્યા છે. જનસંવાદ કાર્યક્રમ દ્વારા નાગરિકો પોતાનો અવાજ રજૂ કરી શકે છે. આણંદ જિલ્લાના ભાદરણમાં મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે જનસંવાદ દરમિયાન આમ જણાવ્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં નાણાંના અભાવે વિકાસનું એક પણ કામ અટકવાનું નથી. ગામ, તાલુકા અને જિલ્લાકક્ષાએ વિકાસકામોનું યોગ્ય રીતે આયોજન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગ્રામજનોએ રજૂ કરેલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા બાંહેધરી આપી હતી. શ્રી પટેલે ભાદરણમાં ઘરવિહોણા લોકો માટે વધુ 2 એકર જમીન ફાળવવાની સ્થળ પર જ જાહેરાત કરી હતી. તેમજ ગામમાં ગંદા પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જરૂરી અનુદાન ફાળવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. ગ્રામ સંવાદમાં રજૂ થયેલા પ્રશ્નોનો સમય મર્યાદામાં ઉકેલ કરવા મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી.
Site Admin | ઓક્ટોબર 17, 2024 8:06 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ