રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી 26 જુલાઈએ દેવભૂમિદ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં રાજ્યકક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરાશે. ગામના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ ઉજવણીનું આયોજન કરાયું છે. પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં ‘વન મહોત્સવના’ આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે અને વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે 23મા સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ કરાશે. કોયલા ડુંગરની પાછળ આવેલા આ નવીન ‘હરસિદ્ધિ વન’ ખાતે વિવિધ પ્રજાતિના અંદાજિત 41 હજાર 619 રોપાઓનું વાવેતર કરાયું છે.
આ સાથે રાજ્યમંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ 33 જિલ્લા કક્ષાએ, આઠ મહાનગરપાલિકાકક્ષાએ, 250 તાલુકાકક્ષાએ તેમ જ 5 હજાર 500 ગ્રામીણકક્ષાએ ‘75મો વન મહોત્સવ’ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે વિવિધ 22 સાંસ્કૃતિક વન નિર્માણ પામ્યા છે.