મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતની રાહત અને બચાવ કામગીરીના પગલાની સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી કરી હતી.
કેન્દ્ર સરકારે રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા ભારતીય સેનાની છ કોલમ ટુકડી ફાળવી છે. વરસાદથી વધારે અસરગ્રસ્ત દેવભૂમિદ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં સેનાની આ છ કોલમ તહેનાત કરવામાં આવી છે, જે રાહત- બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન કાર્યમાં મદદરૂપ થશે. ઉપરાંત NDRF ની 14 પ્લાટૂન અને એસ ડી આર એફ ની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બની છે જ્યારે નૌકાદળ અને તટરક્ષક દળ પણ બચાવ-રાહત કામગીરીમાં જોડાયાં છે.
પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદથી રેસ્ક્યુ કરાયું છે.
અત્યાર સુધીમાં ૨૩ હજાર ૮૭૧ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ ૧ હજાર ૬૯૬ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજુ યથાવત છે તે સંજોગોમાં નાગરિકો, પ્રજાજનોને પણ સાવચેતી-સલામતી રાખવા અનુરોધ કર્યો હતો.
રાજ્યમાં ભારે વરસાદને કારણે દુર્ઘટનામાં કુલ ૭ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
હવામાન વિભાગે માછીમારોને દરિયો નહિ ખેડવા જે ચેતવણી આપી છે દરિયા કાંઠા વિસ્તારોના ૩જી ઓગસ્ટ સુધી કોઈ માછીમાર ભાઈઓ દરિયામાં જાય નહિ તે માટે જિલ્લા કલેક્ટરોને ખાસ તાકીદ કરી હતી..
વરસાદને કારણે રાજ્યમાં કુલ ૮૦૬ જેટલા માર્ગો બંધ છે, તે સત્વરે પૂર્વવત કરવા માટે મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગને તાકીદ કરી હતી.
Site Admin | ઓગસ્ટ 27, 2024 7:14 પી એમ(PM) | મુખ્યમંત્રી