મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ મહાનગરપાલિકાના 793 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યંમત્રીએ કહ્યું હતું કે, આગામી 2047 સુધીમાં રાજયની 70 ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. શહેરોનો વિકાસ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત 2047 માટે આયોજન કર્યું છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાત 14 લાખ આવાસોના નિર્માણ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે.
રાજકોટ શહેરમાં મુખ્યમંત્રી દ્વારા કરાયેલા વિકાસકામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ અંગે સાંભળીએ એક અહેવાલ.
મુખ્યમંત્રીએ 569 કરોડના કામોનું લોકાર્પણ અને 224 કરોડના વિકસ કામોનું ખાતમૂહુર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રૈયામાં નિર્માણ થયેલા અટલ સ્માર્ટ સિટી સંકુલ ખુલ્લું મૂક્યું હતું. નવી સીએનજી શહેરી બસોનું લોકાર્પણ કર્યું હતું. રોડ, પાણી પુરવઠા, ગટરલાઇન, સ્ટોર્મ વોટર સિસ્ટમ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ, સાયકલ ટ્રેકનું પણ ઉદઘાટન કર્યું હતું.
રાજકોટમાં મુખ્યમંત્રી વિશ્વકક્ષાની આંતરરાષ્ટ્રીય સુવિધાઓથી સજજ અને 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર હોસ્પીટલનો શિલાન્યાસ કર્યો હતો. શ્રી પટેલે 36 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર રાજકોટ જીલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમૂહૂર્ત કર્યું હતું. રાજકોટ જીલ્લાના જશવંતપુર ગામે 10 એકરમાં તૈયાર થનાર ઉમિયાધામ મંદિરનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું.