મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું મહાત્મા ગાંધીના અંત્યોદયથી સર્વોદયના વિચારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મસાત કરીને 2047માં વિકસીત ભારતના સંકલ્પ સાથે વિકાસયાત્રાને આગળ ધપાવી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સ્વચ્છ ભારત મિશન દેશમાં ઘર ઘર પહોચ્યું છે અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા બની છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પણ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરતા સ્વચ્છતાના શપથ લીધા હતા. ડૉ. માંડવિયાએ કહ્યું કે રાજ્યશાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ મહાત્મા ગાંધીએ વિશ્વને ચીંધ્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું કે બાપુના દર્શન અહિંસા, સ્વચ્છતા, બુનિયાદી શિક્ષણ, અર્થવ્યવસ્થા તેમજ અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ, તે વિચારોને અમલમાં મૂકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ દેશને વિકસીત ભારત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
આજે 155માં ગાંધી જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સવારે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ તેમણે સુદામાં ચોક ખાતે શ્રમદાન કર્યું અને બાદમાં બિરલા હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીઓ, ધારાસભ્ય સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.