પાટણમાં લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ તેમણે જનતા હૉસ્પિટલ વિસ્તારમાં શ્રમદાન કર્યુ હતું.
અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મહેસાણા ખાતે કેબિનેટમંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભાનુબહેન બાબરિયા અને સાંસદ હરિભાઈ પટેલે શ્રમદાન કર્યું હતું.
આ તરફ દાહોદના અમારા પ્રતિનિધિ પ્રેમ કડિયા જણાવે છે કે દાહોદમાં પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં સ્વચ્થ ભારત દિવસની ઉજવણી કરાઈ. જે અંતર્ગત TDO અને સફાઈ કર્મીઓ ને સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જે બાદ ઉપસ્થિત મહેમાનોએ પ્રધાનનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
અમારા પ્રતિનિધિ ભારતી ભટ્ટ જણાવે છે કે દીવના કોર્ટ દ્વારા આજે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરતા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જે અતર્ગત દીવ સિવિલ જજ અમિત કોકાટેના માર્ગદર્શનમાં કોર્ટ પરિસરમાં સફાઈ કરવામાં આવી.
ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ડાંગમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય મથક આહવા ખાતે શાળાના વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરીનું આયોજન કર્યું, અને બાદમાં ગાંધી ઉદ્યાન ખાતે બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધી જયંતિ પ્રસંગે મોરારીબાપુએ બાર્બેલા સ્પેનમાં રામકથામાં વ્યાસપીઠ પરથી સંદેશો આપતાં જણાવ્યું કે, ગાંધી જયંતિ પ્રસંગે આપણાં રાષ્ટ્રમાં સ્વચ્છતાનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે, આ કાર્ય સાથે ‘રાજનીતિ’ નહિ, પણ ‘રાષ્ટ્ર પ્રીતિ’ પર ભાર મૂક્યો છે.
પાલનપુર ખાતે સ્વચ્છતા હી સેવાની ઉજવણી અંતર્ગત શોર્ટ ફિલ્મનું નિદર્શન, એવોર્ડ વિતરણ કાર્યક્રમ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર જેવા કાર્યક્રમો યોજાયા. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ, CTU ટ્રાન્સફોર્મેશન એવોર્ડ, સ્વચ્છતા અંગે શપથ સહિત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શહેરની જેમ ગામડાઓમાં પણ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઇ-રિક્ષાઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી.
વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ ખેડા જિલ્લામાં બીએપીએસ મંદિર, કેશવ કથા કુંજ, યોગી ફાર્મ નડિયાદ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કાર્યક્રમમાં જોડાયા.
રાજપીપળા ખાતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં તેમણે કહ્યું કે સ્વચ્છ અને હરિયાળા ગામડાઓમાં પ્રવાસનને વેગ આપવા, રોજગારીની નવી તકોનું સર્જન કરવા સહિત નવા રાષ્ટ્રના નિર્માણ માટે સ્વચ્છતા મહત્વનો ભાગ ભજવે છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો. જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓએ ગોધરા તાલુકા પંચાયત પાસેના કોર્ટ રોડ પર સાફ સફાઈ કરી શ્રમદાન કર્યું.
ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા પખવાડાના ભાગરૂપે જન શિક્ષણ સંસ્થાન દ્વારા “મેગા સ્વચ્છતા” ડ્રાઇવનું આયોજન કરાયું.