મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે રાજ્ય વડી અદાલતના ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીએ અંદાજિત 502.81 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ સિવિલ અદાલત ભવનનું લોકાર્પણ કર્યું હતું . અદાલતનું આ નવું ભવન ઈ સેવા કેન્દ્ર, મેડિકલ કક્ષ, મહિલા અને બાળકો માટેના વિશેષ કક્ષ સહિતની અદ્યતન સુવિધાઓથી સુસજ્જ છે.
આ પ્રસંગે ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીએ જણાવ્યું કે, નવા ભવનના નિર્માણથી ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવીન ન્યાય મંદિરના નિર્માણથી લોકોની ઝડપથી ન્યાય મળશે, નાગરિકો કોર્ટને વિશ્વાસથી જુએ છે. લોકો કોર્ટને ન્યાય મંદિર તરીકે જોવે છે ત્યારે વકીલો પાસે આવતા વ્યક્તિઓ આશા અને વિશ્વાસથી આવતા હોય છે તેથી તેમને વ્યવસ્થિત સાંભળીને વકીલો તેમની ફરજ નિભાવે.
આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એમ. એન ગડકરી સહિત જિલ્લાની વિવિધ કોર્ટના ન્યાયાધીશો, સરકારી વકીલ, કાનૂની બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી, વકીલો ઉપસ્થિત રહ્યા હતા.