મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 2 શંકાસ્પદ કેસ મળ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી સી. આર. પટેલે જણાવ્યું કે, આરોગ્ય કર્મચારીઓ ઘેરઘેર જઈને મુલાકાત કરી રહ્યા છે. જિલ્લામાં હાલમાં 227 ટુકડી કામ કરી રહી છે. તેમ જ જિલ્લાના લોકો માટે 99257 85955 હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. આ નંબર પર કોઈ સંદેશ કે ફોન આવે તો તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવે છે.
મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે, જિલ્લામાં ચાંદીપુરાના 2 કેસ નોંધાયા હતા, જેમાંથી એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. શંકાસ્પદ ચાંદીપુરાનો નવો કેસ જોતાણા તાલુકાના હરસુડલ ગામમાં નોંધાયો છે. અહીં 12 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને અમદાવાદની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે, જિલ્લા આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે તાવનો સરવે હાથ ધર્યો છે. ભુજ અને ગાંધીધામમાં બાળરોગ તબીબો સાથે બેઠક યોજાઈ હતી.