મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે એક તબક્કામાં, જ્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી 13 અને 20 નવેમ્બર-એમ બે તબક્કામાં યોજાશે. બંને રાજ્યોમાં 23નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આજે નવી દિલ્હીમાં ચૂંટણી તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેનું જાહેરનામું 22 ઓક્ટોબરે બહાર પડશે અને ઉમેદવારો 29મી સુધીમાં ઉમેદવારી કરી શકે છે.રાજ્યમાં 9.63 કરોડ મતદારો માટે એક લાખથી વધુ મતદાન મથકો સ્થાપવામાં આવશે. ઝારખંડમાં પ્રથમ તબક્કા માટેનું જાહેરનામું 18 ઓક્ટોબરે જાહેર થશે અને ઉમેદવારો 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી કરી શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે,ઝારખંડમાં 2 કરોડ 26 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી સમયપત્રકની જાહેરાત સાથે બંને રાજ્યોમાં આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે. પંચે કેટલીક વિધાનસભા અનેલોકસભા બેઠકો માટેની પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે. 13 નવેમ્બરે ગુજરાતની વાવ સહિત દેશની 47 વિધાનસભા બેઠકો અને વાયનાડ લોકસભા બેઠક માટે મતદાન યોજાશે. મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠકની ચૂંટણી 20નવેમ્બરે યોજાશે.દરમિયાન, આવતીકાલે શ્રીનગરનાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે ઓમર અબદુલ્લા જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રીપદનાં શપથ લેશે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 7:15 પી એમ(PM)