મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક તબક્કામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ આજે જાહેરસભાઓ યોજી હતી. ઉમરખેડમાં એક રેલીમાં, ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને સુપ્રિયા સુળેના વિરોધ છતાં ભાજપ વકફ બોર્ડના કાયદામાં સુધારો કરવા મક્કમ છે..
ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ થાણેમાં એક જાહેર સભામાં જણાવ્યું હતું કે ભાજપે સંરક્ષણ ક્ષેત્રને સશક્ત બનાવ્યું છે, દેશની આંતરિક સુરક્ષામાં વધારો કર્યો છે અને આતંકવાદ સામે અસરકારક રીતે લડત આપી છે. કેન્દ્રીય મંત્રી, નીતિન ગડકરીએ અષ્ટીમાં એક રેલીને સંબોધતા કૉંગ્રેસ પર આરોપ લગાવ્યો કે ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણમાં ભાજપ ફેરફાર કરવા માંગતો હોવા અંગે ખોટો પ્રચાર કરી રહી છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે સતારા, સાંગલી અને પુણેમાં પણ પ્રચાર કર્યો હતો.
બીજી તરફ સાંગલીમાં એક રેલીને સંબોધતા એનસીપીના વડા શરદ પવારે દાવો કર્યો હતો કે ભાજપ બંધારણમાં ફેરફાર કરવા માંગે છે અને સમાન વિચારધારાવાળા પક્ષો સાથે મળી તેનો વિરોધ કરશે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ છત્રપતિ સંભાજી નગરમાં પ્રચાર કરતાં NDA અને મહાયુતિ સરકાર પર પ્રહારો કર્યા હતા.
………2……
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવતીકાલે મુંબઈમાં ચાર જનસભાઓને સંબોધશે. તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી ગુજરાત વ્યાપાર સમુદાય સાથે “ચાય પે ચર્ચા”માં સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. શ્રી પટેલ ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે પણ સંવાદ કરશે.
Site Admin | નવેમ્બર 15, 2024 7:46 પી એમ(PM) | મહારાષ્ટ્ર