મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ પ્રચાર અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રનાં અકોલામાં જાહેર સભાની સંબોધી હતી. તેમણે સભાને સંબોધતા કહ્યું હતું કે છેલ્લા બે કાર્યકાળ દરમિયાન સરકારે ચાર કરોડ પાકા મકાનો બનાવીને લોકોને ઘરનુ ઘર આપ્યું છે. તેમણે દરેક ગરીબને પાકું મકાન આપવાનું વચન પણ આપ્યું હતું. તેમણે વિપક્ષો પર પ્રહારો પણ કર્યા હતા.
મહારાષ્ટ્રની સાથે 81 બેઠકોની ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આ મહિનાની 13મી અને 20મી તારીખે બે તબક્કામાં યોજાશે. ત્યારે તમામ પાર્ટીઓ જોરશોરથીપ્રચાર કરી રહી છે. ચૂંટણી પ્રચાર માટે આજે ગૃહમંત્રી અમિત શાહ ઝારખંડના જમશેદપુરમાં છતરપુર, હજારીબાગ અને પોટકા વિધાનસભા મતવિસ્તારમાં જાહેર સભાઓને સંબોધશે. તેઓ જમશેદપુર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો પણ કરશે. બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ધનબાદ જિલ્લાના બાઘમારા વિધાનસભા ક્ષેત્ર અને પૂર્વ સિંઘભૂમ જિલ્લાના જમશેદપુરમાં ચૂંટણી સભામાં સંબોધશે. ઝારખંડ મુક્તિ મોરચાના નેતા અને મુખ્ય પ્રધાન હેમંત સોરેન રાંચી, ખરસાવા અને મંદાર મતવિસ્તારમાં અનેક સભાઓ યોજશે. આ ઉપરાંત આરજેડી, એજેએસયુ, અને ડાબેરી પક્ષોના નેતાઓ પણ રાજ્યના વિવિધ ભાગોમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.