મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે રાજ્યના વિમાન મથકો ના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે નાગપુર અને શિરડી એરપોર્ટની સાથે નવી મુંબઈ આંતરાષ્ટ્રીય એરપોર્ટના કામો આપેલ સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવામાં આવે. આ પ્રસંગે કેન્દ્રીય સહકાર અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉડ્ડયનએ સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું મહત્વપૂર્ણ છે.
મુખ્યમંત્રીએ નાઇટ લેન્ડિંગની સુવિધા ધરાવતા એરપોર્ટ અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સૂચના આપી હતી. તેમણે સંબંધિત ઓથોરિટીને સૂચના આપી હતી કે, સોલાપુર અને કોલ્હાપુરમાં નાઈટ લેન્ડિંગની સુવિધાનું આયોજન કરવામાં આવે. મુખ્યમંત્રી ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે, વઢવાણ બંદર એ કેન્દ્ર અને રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. સમીક્ષામાં પૂર્ણ થયેલ કામ, બાકી કામ માટે જરૂરી સમય, બાકી પરવાનગીઓ, નાણાકીય પાસાઓ અને જમીન સંપાદન સહિતના વિવિધ પાસાઓ આવરી લેવામાં આવ્યા હતા.