ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 30, 2024 10:37 એ એમ (AM)

printer

મધ્ય ગુજરાત બાદ કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદઃ માંડવીમાં આઠ કલાકમાં 15 ઇંચ, મુન્દ્રામાં આઠ ઇંચ

હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાંથી ભારેથી અતિભારે વરસાદની અને આવતી કાલે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં 33 જિલ્લાનાં 238 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ 12 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પડ્યો છે. અબડાસા તાલુકામાં 11 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 10 ઇંચ અને લખપત તથા ખંભાળિયા તાલુકામાં નવ-નવ ઇંચ વરસાદ પડ્યો છે. ગઈ કાલે સાંજે છ વાગ્યાથી રાત્રિના બે વાગ્યા સુધી કચ્છ જિલ્લાના માંડવીમાં 15 ઇંચ, મુન્દ્રામાં આઠ ઇંચ અને અબડાસા તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે, રાજ્યમાં મોસમનો સરેરાશ 110 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ 154 ટકા કચ્છ ઝોનમાં પડ્યો છે., જ્યારે સૌરાષ્ટ્રમાં 123, દક્ષિણ ગુજરાતમાં 111 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 104 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 86 ટકા વરસાદ પડ્યો છે.
સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાનાં 86 ટકા જળસંગ્રહ થયો છે. કુલ 206 ડેમમાંથી 103 ડેમ 100 ટકા, 45 ડેમ 70થી 100 ટકા અને 23 ડેમ 50થી 70 ટકા ભરાયા છે, જ્યારે 125 ડેમ હાઇ એલર્ટ પર અને 18 ડેમ એલર્ટ પર છે.
આ ચોમાસામાં સરકાર દ્વારા અત્યાર સુધી કુલ 50,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા જિલ્લામાં 13 હજાર 896, નવસારી જિલ્લામાં 9 હજાર 500, ખેડા જિલ્લામાં 3 હજાર 978 લોકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 4 હજાર 225 લોકોને ઉગારવામાં આવ્યા છે. સૌથી વધુ 1 હજાર 556 લોકોને વડોદરામાં બચાવવામાં આવ્યા છે..
હવામાન વિભાગે તારીખ બે સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા માછીમારોને સૂચના આપી છે.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડા ની આગાહીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈ કાલે વડોદરાથી સીધા ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક દ્વારા તેમણે આ કુદરતી આફત સામે તંત્રની સજજતાની સમીક્ષા કરી .
અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, માંડવીમાં ગઈ કાલે સવારે ૬ વાગ્યાથી રાત સુધી ૧૫ ઇંચ, મુન્દ્રામાં 8 ઇંચ અને અબડાસામાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો.
માંડવી તાલુકામાં છેલ્લા પાંચ દિવસમાં પડેલા ભારે વધુ વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે.પ્રભારી મંત્રી પ્રફૂલ પાનશેરિયા માંડવી શહેરના બાબાવાડી વિસ્તારની મુલાકાત લઈ સ્થળાંતરિત કરવામાં આવી રહેલા નાગરિકોના ખબર અંતર પૂછ્યા હતા અને રાહત-બચાવ તથા આશ્રયસ્થાનોમાં વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી.
ગઇ કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની મુલાકાત લીધી હતી અને પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કણઝાર ચેકપોસ્ટ ખાતે રામનગર વિસ્તારના અસરગ્રસ્તો સાથે વાતચીત કરી હતી. શ્રી પટેલે એરપોર્ટ ખાતે યોજેલી બેઠકમાં કેબિનેટ મંત્રીઓ, સાંસદો અને અધિકારીઓને જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા નિર્દેશ આપ્યો હતો.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 1-1 ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 1 ટીમ ફાળવવામાં આવી છે. તેમજ આર્મીની 3 ટુકડીઓ, ફાયર વિભાગ, એરફોર્સ દ્વારા પણ લોકોના રેસ્કયૂની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 12 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
દરમિયાન, વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગઈ કાલે વડોદરાની મુલાકાત લીધી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ