મંકીપૉક્સના વધતા કેસોને જોતા બાંગ્લાદેશની સરકારે પ્રવાસીઓની તબીબી તપાસના દેશ આપ્યા છે. ઢાકા આંતરરાષ્ટ્રીય વિમાનથક ખાતે આવનારા તમામ મુસાફરોની તપાસ કરાશે. મંકીપૉક્સના લક્ષણો જણાય એવા પ્રવાસીઓ વિશેની માહિતી આરોગ્ય મંત્રાલયને મોકલવા માટેના આદેશ અપાયા છે. જો કે, બાંગ્લાદેશમાં હજી સુધી મંકીપૉક્સનો એક પણ કેસ નોંધાયો નથી.
તો ચીને પણ મંકીપૉક્સ વાઇરસના સંક્રમણને જોતા આગોતરા પગલાં લેવાના શરૂ કર્યા છે. 15મી ઑગસ્ટથી મંકીપૉક્સ સંક્રમિત દેશોમાંથી ચીન જનારા મુસાફરોએ કસ્ટમ વિભાગને માહિતી આપવાની રહેશે. આ મુસાફરોએ તેમનામાં તાવ, માથાનો દુખાવો, માંસ પેશિયોમાં દુખાવા સહિતના લક્ષ્ણો વિશે જાણ કરવાની રહેશે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ આફ્રિકાના દેશોમાં મંકીપૉક્સના કેસોની વધતી સંખ્યાને જોતા વૈશ્વિક આરોગ્ય કટોકટીની જાહેરાત કરી છે.
મંકીપોક્સ વાઇરસને કારણે થતો ચેપી રોગ સંપર્ક દ્વારા ફેલાય છે. જેમાં તાવ, સોજો, ગળામાં દુખાવો, સ્નાયુમાં દુખાવો, ચામડી પર ફોલ્લીઓ અને પીઠના દુખાવો સહિતના લક્ષણો જોવા મળે છે.
દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં હજી સુધી મંકીપૉક્સનો એક પણ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં એક બેઠકમાં મંકીપોક્સની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.