મંકીપૉક્સ વાઇરસ સંક્રમણની ભીતિને જોતા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ ગઈકાલે દિલ્હી ખાતે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં મંકીપૉક્સ વાઇરસને લઈને તૈયારીઓ તેમજ આગોતરા પગલાંઓ વિશે ચર્ચા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. બેઠક દરમિયાન શ્રી મિશ્રાએ રાજ્યોને દેખરેખ વધારવા અને કેસોની ત્વરિત તપાસ માટે અસરકારક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે.
વધુમાં તેમણે લેબોરેટરીઓનું નેટવર્ક વહેલી તકે નિદાન માટે સજ્જ હોવું જોઈએ તે વાત પર ભાર મૂક્યો હતો. હાલમાં દેશની 32 જેટલી લેબોરેટરી મંકીપૉક્સ વાઇરસના પરીક્ષણ માટે સજ્જ છે. ડૉ. મિશ્રાએ જણાવ્યું કે સંક્રમણને પ્રસરતું અટકાવવા માટે સારવારના નિયમોનો મોટાપાયે પ્રસાર થવો જોઈએ. વધુમાં તેમણે આરોગ્ય સેવા પ્રદાતાઓમાં રોગના ચિહ્નો અને લક્ષણો તેમજ નિરીક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવાની વાત કરી.
બેઠક દરમિયાન કેહવાયું કે દેશમાં અત્યાર સુધી મંકીપૉક્સનો એક પણ કેસ નોંધાયો નથી. મંકીપૉક્સ સંક્રમિત દર્દી સાથે લાંબો સમય સંપર્કમાં રહેવાથી 2થી 4 અઠવાડિયામાં વાઇરસનો ચેપ લાગવાનો ભય રહે છે. જોકે સારવારથી મંકીપૉક્સની બિમારીથી ઉગરી શકાય છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આફ્રિકાના દેશોમાં મંકીપૉક્સ વાઇરસના સંક્રમણને જોતા વૈશ્વિક આરોગ્ય કટોકટીની જાહેરાત કરી છે.
2022ના અંત સુધીમાં વિશ્વના 116 દેશોમાં મંકીપૉક્સના 99 હજાર જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 208 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
Site Admin | ઓગસ્ટ 19, 2024 11:18 એ એમ (AM) | aakshvani | narendramodi