ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કામગીરી કરવા મુખ્યમંત્રીએ એસીબીને આહ્વાન કર્યુ છે. તેમણે ઉમેર્યુ હતું કે ભ્રસ્ટાચાર સામેની લડાઇમાં રાજ્ય સરકાર તમારી પડખે રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય લાંચ – રૂશ્વત વિરોધી દિવસ પ્રસંગે ભ્રસ્ટ વાતાવરણને તોડવા મુખ્યમંત્રીએ સરકારનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતું કે સમાજના ગરીબ અને સામાન્ય વર્ગના નાગરિકોને ન્યાય અપાવવાનું અને માનવતાનો ધર્મ અદા કરવાનું કાર્ય એસીબી કરી રહી છે. આ કાર્યક્રમમાં ACBને ફરિયાદ આપીને ભ્રષ્ટાચાર સામેની લડતમાં સહાયક બનેલા જાગૃત નાગરિકોનું CARE અંતર્ગત મુખ્યમંત્રીએ બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાઓમાં એ.સી.બી દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં સામે આવી ફરિયાદ કરનાર ફરિયાદીઓ, ફરિયાદીને ન્યાય અપાવનાર સરકારી વકીલ અને એ.સી.બીના અધિકારીઓનુ પણ સન્માન કરાયું હતું.