ભારતે લેબનોનની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત લેબનોનની સમગ્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. તેમજ આ વિસ્તારમાં કથળતી જતી સલામતી વ્યવસ્થા અંગે ચિંતિંત છે. યાદીમાં જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રના અભિગમનું દરેકે સન્માન કરવું જોઈએ. તેમજ તેના આદેશોનું પાલન કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાષ્ટ્ર સંઘના બેઝ ખાતે ઇઝરાયલી દળોએ કરેલા તોપમારામાં રાષ્ટ્ર સંઘના શાંતિ રક્ષક દળના બે જવાનોને ઇજા થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ મુદ્દે ચેતવણી જારી કરી છે. દરમિયાન ઇઝરાયલના દળોએ દાવો કર્યો છે કે, પશ્વિમ કાંઠા વિસ્તાર નજીક આવેલા શરણાર્થીઓના શિબિરમાં આશરો લઈ રહેલાં પેલેસ્ટાઇનના ઉગ્રવાદી જૂથના કમાન્ડર મોહમ્મદ અબ્દુલ્લાને ઠાર કરાયો છે.