ભારત અને લાઓ PDRએ સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગેની છ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી ભંડોળ દ્વારા લાઓસમાં પોષણક્ષમ આહાર સુનિશ્વિત કરવાના પ્રોજેક્ટ માટે ભારત 10 લાખ અમેરિકી ડોલર આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાઓ PDR ના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોને વિયંગચાન ખાતે આજે મંત્રણા કરી છે. બંને આગેવાનોએ દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા અંગે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ આસિયાન શિખર બેઠક અને પૂર્વ એશિયા શિખર બેઠકના સફળ આયોજન માટે શ્રી સિફાન્ડોનને અભિનંદ આપ્યા હતા.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રી પી. શીનવાત્રા સાથે પણ દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા મંત્રણા કરી હતી. અગાઉ વિયંગચાન ખાતે યોજાયેલી પૂર્વ એશિયાઈ શિખર બેઠકમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ – પ્રશાંત વિસ્તારને શાંતિ અને સમૃદ્ધિવાળો વિસ્તાર બનાવવા મુક્ત, સર્વસમાવેશક, સમૃધ્ધ અને નિયમ આધારિત ક્ષેત્ર બનાવવા ઉપર ભાર મૂક્યો હતો.
શ્રી મોદીએ વિશ્વના કેટલાંક સ્થળોએ ચાલી રહેલાં સંઘર્ષનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, વિસ્તારવાદ નહીં પણ વિકાસને મહત્વ આપવું જોઈએ. હાલમાં ચાલી રહેલા આ સંઘર્ષો વિકાસશીલ દેશો ઉપર નકારાત્મક અસરો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, શાંતિ અને સમૃદ્ધિ માટે દરેક દેશની એકતા, સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન થવું જોઈએ. તેમણે સંઘર્ષનો ઉકેલ મેળવવા રાજદ્વારી પ્રયાસ અને મંત્રણાને મહત્વ આપવા અનુરોધ કર્યો હતો. આંતકવાદને વૈશ્વિક શાંતિ સામેનો મુખ્ય પડકાર ગણાવીને શ્રી મોદીએ આતંકવાદનો સામનો સાથે મળીને કરવા સહુને અનુરોધ કર્યો હતો. લાઓસની બે દિવસની મુલાકાત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દિલ્હી પાછા ફર્યા છે.