ભારત અને જાપાન વચ્ચે ગઈકાલે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીય બેઠક નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જાપાનમાં તેમના સમક્ષક સંરક્ષણ મંત્રી કિહરા મિનોરુ અને વિદેશમંત્રી યોકો કામિકાવા સાથે વાટાઘાટો કરી હતી. બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરવાની સાથે સાથે પારસ્પરિક સંબંધોને મજબૂત બનાવવાની નવી શક્યતાઓ વિશે ચર્ચા કરી. ઉપરાંત પરસ્પર હિતોના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન – પ્રદાન પણ કરાયું. બેઠક બાદ પત્રકારોને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે બંને દેશો વચ્ચેના પારસ્પરિક સંબંધોમાં સપ્ટેમ્બર, 2022માં ટોકિયોમાં આયોજીત બેઠક બાદ પ્રગતિ થઈ છે. તેમણે ઉમેર્યું કે આવું બંને દેશોના સંરક્ષણ મંત્રાલય વચ્ચે સહકાર અને સમન્વયથી શક્ય બન્યું છે. વધુમાં કહ્યું કે, હિન્દ મહાસાગર ક્ષેત્ર વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા માટે ભારત અને જાપાનની ભાગીદારી અનેક રીતે મહત્વની છે.
વિદેશમંત્રી ડૉ. એસ. જશશંકરે જણાવ્યું કે બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા સંદર્ભે સાર્થિક દૃષ્ટિકોણની ચર્ચા કરાઈ. વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા બે વર્ષોમાં ભારત અને જાપાનથી જોડાયેલા પ્રાદેશિક અને વૈશ્વિક પરિદૃશ્ય ઘણા ખરાં એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીય વાટાઘાટો – બંને દેશો વચ્ચે સહકાર વધારવાનો સુઅવસર રહી. તેમણે આ પ્રસંગે જાપાનના ફુકુઓકામાં ટૂંક સમયમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી.
Site Admin | ઓગસ્ટ 21, 2024 11:19 એ એમ (AM)