પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે.
આજે વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે, બંને દેશો વચ્ચેનો સહયોગ અને સહભાગિતા વધુ સારા વિશ્વનાં નિર્માણમાં સહાયક બની શકે છે. શ્રી મોદીએ જણાવ્યું કે, બંને પક્ષો વ્યૂહાત્મક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંબંધોને ગાઢ બનાવશે.
તેમણે જણાવ્યું કે, ભારતની સંરક્ષણ તૈયારીમાં અમેરિકા મહત્વની ભૂમિકા ભજવે છે.
શ્રી મોદીએ જણાવ્યું કે, ત્રાસવાદ સામેની લડાઇમાં ભારત અને અમેરિકા મક્કમતાથી સાથે રહ્યા છે અને બંને દેશો સરહદ પારનાં ત્રાસવાદને નાબૂદ કરવા નક્કર પગલાં લેવા સંમત થયા છે.
પ્રધાનમંત્રીએ અમેરિકાની શિક્ષણ સંસ્થાઓને ભારતમાં ઓફશોર કેમ્પસ ખોલવા આમંત્રણ આપ્યું હતું
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, વિશ્વમાં સૌથી જૂનાં અને સૌથી મોટાં લોકશાહી દેશો અમેરિકા અને ભારત વચ્ચે વિશેષ બંધન છે.
ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર અમેરિકના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રી મોદી અમેરિકાની 2 દિવસની મુલાકાત બાદ ભારત આવવા રવાના થયા છે. આ અગાઉ પ્રધાનમંત્રીએ ફ્રાન્સની 3 દિવસની મુલાકાત લીધી હતી.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 2:18 પી એમ(PM) | પ્રધાનમંત્રી
ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો
