ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં લગભગ 15 ટન રાહત સામગ્રી મોકલી છે. આ સહાય હિંડન એરફોર્સ સ્ટેશનથી ભારતીય હવાઈદળના C-130J વિમાન દ્વારા પહોંચાડવામાં આવી હતી. જેમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, ખોરાક અને જનરેટર સેટનો સમાવેશ થાય છે. આપત્તિગ્રસ્ત લોકોને મદદ માટે પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, સિરીંજ, મોજા અને પાટો જેવા તબીબી પુરવઠા પણ મોકલવામાં આવી રહ્યા છે.દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ બંને દેશોના નાગરિકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે ભારત તમામ શક્ય સહાય પૂરી પાડવા તૈયાર છે. શ્રી મોદીએ વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું છે.વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકારોને જણાવ્યું કે, તેઓ મ્યાનમારના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને સહાય અને રાહત સામગ્રીની યોગ્ય જરૂરિયાતો પર વિચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા આવી કુદરતી આફતો દરમિયાન મદદ પૂરી પાડનાર પ્રથમ દેશ રહ્યો છે.ગઈકાલે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે મોટા પ્રમાણમાં ઇમારતો, પુલો અને એક મઠ ધરાશાયી થયા. મ્યાનમારમાં 144 લોકો માર્યા ગયા હોવાનો અહેવાલ છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં 10 લોકોના મોત થયા છે.
Site Admin | માર્ચ 29, 2025 9:01 એ એમ (AM)
ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં લગભગ 15 ટન રાહત સામગ્રી મોકલી.
