ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને પરાજય આપીને ત્રીજી વાર ટ્રોફી જીતીને ઇતિહાસ સર્જ્યો છે. દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી મેચમાં લાખો ભારતીય દર્શકોની વચ્ચે ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયનને છાજે તેવી રમત દર્શાવી હતી.રવિન્દ્ર જાડેજાએ વિજયી શોટ મારતા સ્ટેડિયમમાં રોમાંચ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું. કે.એલ.રાહુલ 34 રને અણનમ રહ્યા હતા, જ્યારે જાડેજાએ ઇનિંગનાં અંતે નવ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.વિરાટ કોહલી માત્ર એક રનમાં એલબીડબલ્યુ આઉટ થયા હતા. શ્રેયસ ઐયરે 48 રન અને હાર્દિક પંડ્યાએ 18 રન કર્યા હતા.અગાઉ, ટોસ જીતીને બેટિંગ પસંદ કરતા ન્યૂઝીલેન્ડે મર્યાદિત 50 ઓવરમાં સાત વિકેટે 251 રન કર્યા હતા. ડેરિલ મિચેલે 63 રનનું યોગદાન આપ્યું હતું. માઇકલ બ્રેસવેલે 39 બોલમાં 51 ઝડપી રન કર્યા હતા. ભારત વતી વરૂણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી. ભારતે ગયા વર્ષે ટી-20 વિશ્વકપમાં વિજય મેળવ્યો હતો.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, એક અસાધારણ રમત અને અસાધારણ પરિણામ, આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ઘરે લાવવા માટે આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે. ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, ‘આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર જીત મેળવવા બદલ ટીમ ઇન્ડિયાને અભિનંદન.’
Site Admin | માર્ચ 10, 2025 9:23 એ એમ (AM)
ભારતે ન્યૂઝીલેન્ડને પરાજય આપીને ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ સર્જ્યો.
