ભારતીય હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઓડિશા, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આજે ઓડિશા અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદની સ્થિતિ રહેશે. આ સાથે જ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
દરમ્યાન ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પર સર્જાયેલ ડીપ ડિપ્રેશન આગામી 12 કલાકમાં ઉત્તર પૂર્વ અરબીસમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું હતું. કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરને બાદ કરતાં ઘણા વિસ્તારોમાં વ્યાપકપણે ભારે વરસાદ નોંધાયો હતો, મોટા ભાગના સ્થળોએ મધ્યમ વરસાદ થયો હતો.
આ સાથે જ વડોદરામાં પૂરની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. કેરળ, કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આજે ભારેવ રસાદની સ્થિતિ રહેશે. દરમિયાન, ઉત્તર-પૂર્વ ભારતમાં આગામી 4 થી 5 દિવસ દરમિયાન ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આવતીકાલે છત્તીસગઢ અને વિદર્ભની સાથે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
Site Admin | ઓગસ્ટ 30, 2024 10:42 એ એમ (AM)