ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બન્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પ્રથમ મેડલ મહિલા ખેલાડી મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં જીત મેળવી છે. આ પછી તેણીએ સરબજોત સિંહ સાથે મળીને મિશ્ર ટીમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. જ્યારે સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હવે લક્ષ્ય સેન પણ ઓલિમ્પિક મેડલથી માત્ર એક ડગલું દૂર છે.
લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઈનલ મેચમાં તાઈવાનના ખેલાડી ચાઉ ટિએન ચેનને 3 રાઉન્ડ સુધી ચાલેલા મુકાબલામાં હરાવ્યો હતો. ઓલિમ્પિકના ઈતિહાસમાં આજ સુધી કોઈ ખેલાડીએ મેન્સ બેડમિન્ટનમાં ભારત માટે કોઈ મેડલ જીત્યો નથી અને લક્ષ્ય સેન પાસે આ તક છે, જો તે સેમીફાઈનલ મેચ પણ જીતી જાય તો મેડલ નિશ્ચિત થઈ જશે.
લક્ષ્ય સેને તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં તાઈવાનના શટલરને 19-21, 21-15 અને 21-12થી હરાવ્યો અને સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું.
લક્ષ્યની સામે પડકાર આસાન ન હતો કારણ કે તે તાઈવાનના ખેલાડી ચાઉ તિએન ચેન સામે 4માંથી માત્ર 1 મેચ જીતી શક્યો હતો. આ મેચની શરૂઆત પણ લક્ષ્ય માટે સારી રહી ન હતી અને જોરદાર લડતમાં તાઇવાનના ખેલાડીએ 21-19થી પ્રથમ રાઉન્ડ જીતી લીધો હતો. આ પછી લક્ષ્યે આશ્ચર્યજનક રીતે પુનરાગમન કર્યું અને ચાઉને કોઈ પણ તક ન આપી.