ભારતીય લશ્કરનો કાફલો ભારત-થાઇલેન્ડ સંયુક્ત લશ્કરી કવાયત ‘મૈત્રી’ની 13મી આવૃત્તિ માટે ગઈ કાલે રવાના થયો છે. થાઇલેન્ડના તાક પ્રાંતમાં ફોર્ટ વચિરાપ્રકામ ખાતે 15 જુલાઇ સુધી કવાયત હાથ ધરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે,76 જવાનોના ભારતીય લશ્કરનાં કાફલામાં લડાખ સ્કાઉટ્સની બટાલિયન અને અન્ય સશસ્ત્ર સેવાઓનાં જવાનોનો સમાવેશ થાય છે. રોયલ થાઇલેન્ડ આર્મીના 76 જવાનો છે, જેમાં મુખ્યત્વે પ્રથમ બટાલિયાન અને ચાર ડિવિઝનનાં 14 ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટનો સમાવેશ થાય છે. મૈત્રી કવાયતનો હેતુ ભારત અને થાઇલેન્ડ વચ્ચે લશ્કરી સહકાર મજબૂત બનાવવાનો છે.
આ કવાયતથી જંગલ અને શહેરોમાં બળવાખોરી અને ત્રાસવાદી અભિયાનોનો સામનો કરવાની સંયુક્ત ક્ષમતામાં વધારો થશે. કવાયતમાં શારિરીક ચુસ્તતા, સંયુક્ત આયોજન અને વ્યૂહાત્મક પગલાં પર ભાર મૂકવામાં આવશે. મૈત્રી કવાયતથી બંને દેશો સંયુક્ત અભિયાન હાથ ધરવા માટેનાં વ્યૂહ, ટેકનિકલ અને પ્રક્રિયાઓની આપલે કરી શકશે. આ અગાઉ મૈત્રી કવાયતની સપ્ટેમ્બર, 2019માં મેઘાલયમાં યોજાઈ હતી.
Site Admin | જુલાઇ 2, 2024 3:47 પી એમ(PM) | ભારતીય લશ્કર