ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતે ઉચ્ચ ગુણવત્તાના ડિજિટલ નાણાકીય ઉત્પાદનોના વિકાસને સરળ બનાવે તેવું વિશ્વ કક્ષાનું ડિજિટલ જાહેર આંતરમળખું વિકસાવ્યું છે. તેમણે કહ્યું કે દેશ હવે વિશ્વના ત્રીજા સૌથી મોટા વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું કેન્દ્ર બની ગયું છે. અહીં એક લાખ ચાલીસ હજારથી વધુ સ્ટાર્ટઅપ અને સોથી વધુ યુનિકોર્ન છે.
આજે નવી દિલ્હીમાં RBI AT90ની ઉચ્ચ સ્તરની પરિષદને સંબોધતા શ્રી દાસે જણાવ્યું કે અન્ય દેશો વૈશ્વિક ડિજિટલ ક્રાંતિમાં પ્રવેશ કરવા અને તેને સુધારવા ડિજિટલ જાહેર આંતરમાળખામાં ભારતના અનુભવનો લાભ લઈ શકે છે. ડિજિટલ કરન્સીના ઉપયોગ અંગે તેમણે કહ્યું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી –સરહદ પારની ચુકવણી કરવાની ક્ષમતા ધરાવે છે.
કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા નાણાકીય ક્ષેત્રમાં સર્જાયેલા પડકારો અંગે શ્રી દાસે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સાયબર હુમલાઓ અને ડેટા ભંગ જેવા નવા પડકારો સામે આવી રહ્યા છે. તેમણે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને આ જોખમોનો સામનો કરવા માટે પૂરતા જોખમ નિવારણ પગલાં લેવા જણાવ્યું છે. શ્રી દાસે વધી રહેલા દેવા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે રોગચાળા પછી, વૈશ્વિક જાહેર દેવું 2023 માં કુલ ઘરેલુ ઉત્પાદનના 93.2 ટકા સુધી હતું જે 2029 સુધીમાં વધીને જીડીપીના 100 ટકા થવાની સંભાવના છે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 2:29 પી એમ(PM)