રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે ભારતીય પ્રવાસી સમુદાય વિશ્વ સમુદાય સમક્ષ ભારતનું સાચું ચિત્ર રજૂ કરે છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય પ્રવાસી સમુદાયે દવા અને ટેકનોલોજી સહિત તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
આજે ઓડિશાના ભુવનેશ્વરમાં આયોજિત 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું. આ અગાઉ રાષ્ટ્રપતિએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ કેટલાક પ્રવાસી ભારતીયો NRI ને પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત પણ કર્યા હતા. કેન્દ્રીય મંત્રીઓ ડૉ. એસ. જયશંકર, જોએલ ઓરામ, ધર્મેન્દ્ર પ્રધાન, સહિત ઓડિશાના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ પહેલા રાષ્ટ્રપતિએ ઓડિશા પેવેલિયન સહિત વિવિધ પેવેલિયનની મુલાકાત લીધી હતી જેમાં હાથથી વણાયેલી સાડીઓ, ઉત્તમ કારીગરી અને અન્ય પરંપરાગત લલિત કલાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પેવેલિયનનો ઉદ્દેશ્ય ઓડિશાની સમૃદ્ધ સંસ્કૃતિને વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાનો અને તેના કલાકારો અને શિલ્પકારોને પ્રોત્સાહન આપવાનો છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 7:24 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ભારતીય પ્રવાસીઓ વિશ્વ સમક્ષ ભારતનું સાચું ચિત્ર રજૂ કરે છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
