ભારતીય નૌકા દળે ગુજરાતનાં ત્રાસવાદ વિરોધી દળ-ATS અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-NCBની મદદથી પોરબંદરનાં દરિયામાંથી 700 કિલો માદક પદાર્થોનો જપ્તો જપ્ત કર્યો છે, જેનું મૂલ્ય 3500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ‘સાગર મંથન-4’ નામનાં આ અભિયાનમાં આઠ ઇરાની ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. તમામ ડ્રગ પેડલર અને માદક પદાર્શોને પોરબંદર લાવવામાં આવ્યાં છે. આરોપીઓના રીમાન્ડની માંગણી સાથે પોરબંદરની અદાલતમાં રજૂ કરવામાં આવશે. દિલ્હી એનસીબીની ટીમને પોરબંદરના દરિયામાં જહાજ મારફતે માદક પદાર્થો આવતા હોવાની મળેલી બાતમીને આધારે દિલ્હી એનસીબીની ટીમે નૌકા દળનો સંપર્ક કરીને ગઈ કાલે મોડી રાત્રે આ અભિયાન પાર પાડ્યું હતું. શંકાસ્પદ બોટની તલાશી દરમિયાન 700 કિલો ડ્રગ્સ મળી આવ્યં હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ઘટનાને ઐતિહાસિક સફળતા ગણાવીને આ અભિયાનમાં જોડાયેલી એજન્સીઓને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે, એનસીબી, ભારતીય નૌકા દળ અને ગુજરાત પોલિસનું આ સંયુક્ત અભિયાન નશા મુક્ત ભારતનાં સપનાને સાકાર કરવાની સરકારની પ્રતિબધ્ધતાનુ ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3,600 કિલોથી વધુનાં કેફી પદાર્થોનો જથ્થો ઝડપાયો છે. અગાઉ, માર્ચ મહિનામાં ગુજરાત એટીએસની ટીમે પોરબંદર પાસે એક અભિયાન હાથ ધરીને છ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરીને તેમની પાસેથી 450 કરોડ રૂપિયાથી વધુનાં માદક પદાર્થો જપ્ત કર્યા હતા.
Site Admin | નવેમ્બર 15, 2024 7:20 પી એમ(PM) | ભારતીય નૌકા દળ