ભારતીય નૌકાદળ આ મહિનાની 15મી તારીખે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો નીલગીરી, સુરત અને વાઘશીરને સામેલ કરવા જઈ રહ્યું છે. આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતીય નૌકાદળની લડાયક સજ્જતામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ યુદ્ધ જહાજો સંરક્ષણ સ્વનિર્ભરતા અને સ્વદેશી જહાજ નિર્માણના ક્ષેત્રમાં દેશની અજોડ પ્રગતિને પ્રતિબિંબિત કરશે.
યુદ્ધ જહાજ નીલગીરી ગુપ્તચર સુવિધાઓ અને વિશ્વસ્તરીય ટેકનોલોજીથી સજ્જ છે. સુરત યુદ્ધ જહાજની ડિઝાઇન અને ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારાઓ છે. આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ યુદ્ધ જહાજ નીલગીરી અને સુરત દિવસ અને રાત્રિ એમ બંને ઓપરેશન દરમિયાન વિવિધ પ્રકારના હેલિકોપ્ટરનું સંચાલન કરી શકે છે.
વાઘશિર એ વિશ્વની સૌથી શાંત અને બહુમુખી ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનમાંથી એક છે. જેમાં સપાટી વિરોધી યુદ્ધ, સબમરીન વિરોધી યુદ્ધ, ગુપ્ત માહિતી ભેગી કરવી, વિસ્તાર સર્વેલન્સ અને વિશેષ કામગીરીનો સમાવેશ થાય છે. વાઘશીર વાયર-ગાઇડેડ ટોર્પિડોઝ, એન્ટિ-શિપ મિસાઇલો અને અદ્યતન સોનાર સિસ્ટમ્સથી સજ્જ છે.
ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, આ ત્રણેય નૌકાદળના લડાયક પ્લેટફોર્મનું નિર્માણ અને ડિઝાઇન મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે જે દેશની વધતી જતી આત્મનિર્ભરતાનો પુરાવો છે અને યુદ્ધ જહાજોની ડિઝાઇન અને નિર્માણમાં ઝડપી પ્રગતિને પણ દર્શાવે છે. સાથે જ સંરક્ષણ ઉત્પાદનમાં વૈશ્વિક નેતા તરીકે દેશની સ્થિતિને મજબૂત બનાવે છે.
Site Admin | જાન્યુઆરી 1, 2025 7:28 પી એમ(PM) | ભારતીય નૌકાદળ