ભારતમાં UAEના રાજદૂત અબ્દુલનાસર અલશાલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ ક્રિકેટ મેચનું આયોજન કરવાની દરખાસ્ત મૂકી છે.
એક મીડિયા ઈન્ટરવ્યુમાં, અબ્દુલનાસર અલશાલીએ યુએઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનું આયોજન કરવા તત્પરતા દર્શાવી છે. તેમણે કહ્યું, અમે હંમેશા આવી રમતોનું આયોજન કર્યું છે. અને UAE હંમેશા વ્યવસાય અને રમતગમતના આયોજન માટે ઉત્સુક છે..
2025 માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની અનિશ્ચિતતા વચ્ચે આ નિવેદન સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કહ્યું છે કે તે સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલશે નહીં. બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સમગ્ર ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજવાનો આગ્રહ રાખે છે.
BCCIએ હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂક્યો હતો, જ્યાં ભારતની મેચો તટસ્થ દેશમાં રમાશે, પરંતુ PCBએ આ વિચારને નકારી કાઢ્યો છે. ગયા અઠવાડિયે, વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે BCCIની ચિંતાઓને પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરે તેવી શક્યતા નથી. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ભારતે એશિયા કપમાં ભાગ લીધો ત્યારથી 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બંને હરીફોએ છેલ્લે ભારતમાં 2012-13માં દ્વિપક્ષીય શ્રેણી રમી હતી, જેમાં સફેદ બોલની મેચોનો સમાવેશ થતો હતો. તે પછી, ભારત અને પાકિસ્તાન મુખ્યત્વે ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે.
Site Admin | ડિસેમ્બર 3, 2024 9:42 એ એમ (AM) | ક્રિકેટ મેચ