રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રને નામ સંબોધન કરતા સુશ્રી મુર્મુએ ભારતીય બંધારણને જીવંત દસ્તાવેજ ગણાવતા જણાવ્યું કે, આપણું બંધારણ, આપણી સામૂહિક અસ્મિતાનો મૂળ આધાર છે, જે આપણને એક પરિવારની જેમ એકતાના સૂત્રની જેમ બાંધી રાખે છે. છેલ્લાં 75 વર્ષમાં બંધારણે આપણી પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે.
રાષ્ટ્રપતિએ માતૃભૂમિને વિદેશી શાસનમાંથી મુક્ત કરવા બલિદાન આપનારા તમામ શૂરવીરોને યાદ કરીને તેમને શ્રધ્ધાંજલી આપી હતી.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, દેશનાં ખેડૂત ભાઇ-બહેનોએ ખૂબ મહેનત કરીને આપણા દેશને અનાજનાં ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવ્યો. તાજેતરનાં વર્ષોમાં આર્થિક વિકાસનો દર સતત ઊંચો રહ્યો છે, જેને કારણે યુવાનો માટે રોજગારીની તકો સર્જાઇ છે અને લોકો મોટી સંખ્યામાં ગરીબીમાંથી બહાર આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, સરકારે નાણાકીય સર્વસમાવેશિતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને મકાનો તથા પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડીને જનકલ્યાણને નવી વ્યાખ્યા આપી છે.
ગુજરાતના વડનગરમાં પ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિઅન્શિયલ મ્યુઝીયમનાં નિર્માણ અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા સંસ્થા-ઇસરોએ પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓનો, ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનાં ઉત્કૃષ્ટ દેખાવનો ઉલ્લેખ કર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 25, 2025 7:58 પી એમ(PM) | રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું
