ભારતની ક્રિશા વર્માએ ગઈકાલે અમેરિકાના કોલોરાડોમાં અંડર-19 વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જોકે અન્ય પાંચ ભારતીય મુક્કેબાજો પોતપોતાની ફાઇનલમાં હારી ગયા હતા.
ક્રિશાએ જર્મનીની લેરિકા સિમોનને 5-0થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે ચંચલ ચૌધરી મહિલાઓની 48 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટ સામે હારી જતાં તેને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. મહિલાઓની 57 કિલોગ્રામ વર્ગમાં અંજલિ સિંહ ફાઇનલમાં ઇંગ્લેન્ડની મિયા-તિઆહ આયટન સામે 0-5થી હારી ગઈ હતી. પુરુષોની 75 કિલોગ્રામ વર્ગમાં ભાગ લેનાર રાહુલ કુંડુને પણ રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. તે તેની કેટેગરીની ફાઇનલમાં અમેરિકાના જોસેફ અવિનોંગ્યા સામે 1-4થી હારી ગયો હતો. મહિલાઓની 60 કિલોગ્રામ વર્ગમાં, વિન્ની એલા લોન્સડેલ સામે 3-2થી હારી ગઈ હતી. મહિલાઓની 70 કિલોગ્રામ વર્ગમાં આકાંક્ષા ઇંગ્લેન્ડની લિલી ડેકોન સામે 4-1થી હારી ગઈ હતી. આ હારના પરિણામે આકાંક્ષાને પણ રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો.
આજે રાત્રે 51 કિલોગ્રામ વર્ગમાં નિશા, 54 કિલોગ્રામ વર્ગમાં સુપ્રિયા દેવી થોકચોમ અને 65 કિલોગ્રામ વર્ગમાં પાર્થવી ગ્રેવાલ સહિત પાંચ વધુ મહિલા મુક્કેબાજો ફાઇનલમાં રમશે. પુરુષોની શ્રેણીમાં 90 કિલોગ્રામ વર્ગમાં હેમંત સાંગવાન ફાઇનલમાં અમેરિકન મુક્કેબાજ રિશોન સિમ્સ સામે ટકરાશે.
Site Admin | નવેમ્બર 2, 2024 2:33 પી એમ(PM)