સંસદના બંને ગૃહોમાં ભાજપના સાંસદોએ હોબાળો મચાવતા રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે જ્યારે લોકસભા બપોર સુધી સ્થગિત કરાઇ હતી. કર્ણાટકમાં જાહેર કરારોમાં ચોક્કસ લઘુમતી જૂથને અનામત આપવાના મુદ્દા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર દ્વારા આ ક્વોટા માટે બંધારણમાં ફેરફાર અંગે કરાયેલી ટિપ્પણીને લઈને આજે સંસદના બંને ગૃહોમાં ભાજપના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં ટ્રેઝરી બેન્ચના સભ્યોએ આ મુદ્દા પર વિરોધ કર્યો હતો. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ચોક્કસ લઘુમતી જૂથને અનામત આપીને બાબાસાહેબ આંબેડકરના બંધારણની પ્રતિષ્ઠાને ઓછી કરી છે. તેમણે નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. ગૃહના નેતા જેપી નડ્ડાએ કોંગ્રેસ પર આ પગલા દ્વારા બંધારણને નબળુ પાડવાનો આરોપ લગાવ્યો હતો. આઅંગે પ્રતિક્રિયા આપતા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ડૉ. બી.આર. આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણને કોઈ બદલી શકતું નથી અને કોઈ અનામતનો અંત લાવી શકતું નથી. તેમણે ભાજપ પર બંધારણને નબળુ પાડવાનો આરોપ લગાવ્યો હતો. ભારે શોરબકોર વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખી હતી. લોકસભામાં પણ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ આ જ મુદ્દા પર હોબાળો મચાવતા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહમાં સભ્યોને પ્રશ્નકાળ શરૂ કરવા દેવા અપીલ કરી હતી પરંતુ ભારે હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
Site Admin | માર્ચ 24, 2025 1:43 પી એમ(PM)
ભાજપનાસાંસદોનાં વિરોધને પગલે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી અને રાજ્યસભાની બે વાગ્યા સુધી મોકૂફ
