બાંગ્લાદેશમાં દેખાવકારોએ પ્રધાનમંત્રી શેખ હસીનાના ક્વોટા સુધારણા વાટાઘાટોના પ્રસ્તાવને નકારી કાઢી અને તેમના રાજીનામાની માગ કરી છે. ક્વોટા સુધારણા ચળવળના સંયોજકોએ ગઈકાલે સાંજે ઢાકામાં સેન્ટ્રલ શહીદ મિનાર ખાતે એક વિશાળ રેલીમાં આ અંગે જાહેરાત કરી હતી.
ઉપરાંત ગઈકાલે રાત્રે બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાને કાયદા અમલીકરણ સંસ્થાઓના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ગૃહમંત્રીએ માધ્યમોને સંબોધતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓના આંદોલનની તમામ માગણીઓ સંતોષવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીઓને અસહકાર આંદોલન કર્યા વગર ઘરે પરત ફરવા વિનંતી કરી હતી.ઉપરાંત તેમણે રવિવારથી સવારના છ વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી ઢાકા અને નજીકના જિલ્લાઓમાં કરફ્યૂના કલાકોમાં છૂટછાટ આપવાની જાહેરાત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હજારો લોકો ગઈકાલે ઢાકા, ચટ્ટોગ્રામ, સિલ્હેટ, બરીસાલ અને અન્ય સ્થળોએ ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધમાં જોડાઈને ગયા મહિને થયેલી હિંસાના પીડિતોને ન્યાય આપવા દેખાવ કરી રહ્યા હતા.