રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા “ફૂડ સેફ્ટી” પખવાડિયા અંતર્ગત સાત કરોડ ત્રણ લાખથી વધુનો શંકાસ્પદ ખાદ્યપદાર્થ કબજે કરી વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 25 ઑકટોબર સુધી યોજાયેલા પખવાડિયા અંતર્ગત અત્યાર સુધી નવ હજાર 900થી વધુ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે 4 હજાર 700 જેટલા નિરીક્ષણ કરાયા હતા.
ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, અત્યાર સુધી તંત્ર દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાએ આકસ્મિક કુલ 175 દરોડા પાડી 260 ટન જેટલો અંદાજે 7 કરોડ 3 લાખ રૂપિયાનો શંકાસ્પદ ખાદ્યચીજનો જથ્થો જપ્ત કરાયો હતો. આ ખાદ્યપદાર્થો બિનઆરોગ્યપ્રદ હોવાથી તેના પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે. ઉપરાંત 22 લાખ 3 હજાર રૂપિયાની કિંમતનો 12 હજાર 95 કિલો બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરાયો હતો.