પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત અને રશિયા વચ્ચેની 22મી વાર્ષિક શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. વાર્ષિક સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સંરક્ષણ, વેપાર સંબંધો, રોકાણ સંબંધો, ઉર્જા સહયોગ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંપર્કો સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓની સમીક્ષા કરશે. તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર એકબીજાના અભિપ્રાયો રજૂ કરશે. બંને નેતાઓ BRICS, શાંઘાઈ સહકાર સંગઠન, G20, પૂર્વ એશિયા સમિટ અને સંયુક્ત રાષ્ટ્ર જેવા જૂથોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા પણ કરશે.
શ્રી મોદી રશિયા અને ઓસ્ટ્રિયાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે ગઈકાલે સાંજે મોસ્કો પહોંચ્યા હતા. આગમન પર, પ્રધાનમંત્રીનું રશિયાના નાયબ પ્રધાનમંત્રી ડેનિસ માન્તુરોવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પુતિને ગઈકાલે સાંજે પ્રધાનમંત્રી માટે ખાનગીરાત્રિ ભોજનનું આયોજન પણ કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદી આજે રશિયામાં ભારતીય સમુદાય સાથે પણ વાત કરશે. તે ક્રેમલિનમાં સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરશે અને મોસ્કોમાં પ્રદર્શન સ્થળ પર રોસાટોમ પેવેલિયનની મુલાકાત લેશે. અને ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત મંત્રણા યોજાશે. બે રાષ્ટ્રોની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી આજે ઓસ્ટ્રિયાની મુલાકાતે જશે. પ્રધાનમંત્રીની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. તેઓ ઓસ્ટ્રિયાના ચાન્સેલર સાથે પ્રતિનિધિમંડળની મંત્રણા કરવા ઉપરાંત ઉચ્ચ સ્તરીય વેપાર વાટાઘાટ પણ કરશે.
Site Admin | જુલાઇ 9, 2024 10:37 એ એમ (AM) | aakshvani | aakshvaninews | India | narendramodi | newsupdate | Russia | topnews