પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. રશિયાના મૉસ્કોમાં તેઓ 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે- સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ તેમજ સંસ્કૃતિ સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા થશે. બંને નેતાઓ પરસ્પર હિત, પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિતિ વિશે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત બ્રિક્સ, શાંઘાઈ સહકાર સંગઠન, જી-20, પૂર્વ એશિયા શિખર સંમેલન તેમજ સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચો પર દ્વીપક્ષીય સંબંધોની વર્તમાન સ્થિતિની સમિક્ષા કરશે.
રશિયાના રાષ્ટ્રપતિ આજે પ્રધાનમંત્રી મોદીના સમ્માનમાં આયોજીત ભોજનની યજમાની કરશે. આવતીકાલે શ્રી મોદી રશિયામાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે. તેઓ ક્રેમલિનમાં સૈનિક સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે, તેમજ મૉસ્કોમાં રોસ્ટોમ પેવેલિયનની મુલાકાત લેશે. બંને નેતાઓ વચ્ચે પરસ્પર વાતચીત બાદ પ્રતિનિધિ મંડળની બેઠક થશે. નવ અને દસ જુલાઈના રોજ પ્રધાનમંત્રી મોદી ઑસ્ટ્રિયાનો પ્રવાસ કરશે. પ્રધાનમંત્રીની આ પ્રથમ ઑસ્ટ્રિયા મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે માળખાકીય સુવિધાઓ, પુન:પ્રાપ્ય ઊર્જા, ટેક્નૉલોજી, સ્ટાર્ટઅપ, મીડિયા અને મનોરંજન સહિતના ક્ષેત્રોમાં દ્વીપક્ષીય સહકાર માટેની તકો છે.