પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડ અને યુક્રેન પ્રવાસના ત્રીજા દિવસે આજે યુક્રેનની રાજધાની કિવ પહોંચશે.પ્રવાસ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ દ્વીપક્ષીય સહકારને મજબૂત બનાવવા અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાતચીત કરશે.
આ પૂર્વે ભારત અને પૉલેન્ડ પોતાના સંબંધોને રાજદ્વારી ભાગીદારીમાં બદલવા પર સહમત થયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વૉરસૉમાં પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ આ જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષે બંને દેશો રાજકીય સંબંધોની 70મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ભારત અને પૉલેન્ડના સંબંધો લોકતંત્ર જેવા સમાન મૂલ્યો પર આધારિત છે.
શ્રી મોદીએ કહ્યું કે 45 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી પૉલેન્ડના પ્રવાસે છે, આ કારણે બંને દેશોના સંબંધોનું વિશેષ મહત્વ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્ષ 2022માં યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને બચાવવામાં પૉલેન્ડની ભૂમિકાને ભારત ક્યારેય નહીં ભૂલે. તેમણે પૉલેન્ડની કંપનીઓને મેક ઇન ઇન્ડિયા અને મેક ફૉર ધી વર્લ્ડમાં ઝુંબેશમાં સામેલ થવા અપીલ કરી. શ્રી મોદીએ જણાવ્યું કે જાન્યુઆરી 2025માં પૉલેન્ડ યુરોપિય સંઘની અધ્યક્ષતા કરશે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પૉલેન્ડના સમર્થનથી ભારત અને યુરોપિય સંઘ દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 8:14 એ એમ (AM) | પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી