પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાપડના કચરાને સમગ્ર વિશ્વ માટે ચિંતાનું મોટું કારણ ગણાવ્યું છે. આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે, વિશ્વમાં કાપડના કચરામાંથી માત્ર એક ટકા કપડાનું જ નવા કપડામાં રિસાઇકલિંગ થાય છે. તેમણે જણાવ્યું કે, ભારત વિશ્વમાં ત્રીજો દેશ છે જ્યાં મહત્તમ કાપડ કચરાનું ઉત્પાદન થાય છે. પ્રધાનમંત્રીએ જૂના કપડાના નિકાલ માટે કાર્ય કરતી સંસ્થાઓનાં પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે અનેક રાજ્યોમાં જળ સંચયનુ કાર્ય વેગ પકડી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, દર વર્ષની જેમ કેચ ધ રેઇન ઝૂંબેશ માટેની તૈયારી યુધ્ધનાં ધોરણે ચાલી રહી છે. આ ઉપરાંત વધુને વધુ લોકોને જળ સંચય સાથે જોડવા માટે જળ સંચય-જન ભાગીદારી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. છેલાં સાત આઠ વર્ષમાં નવી બનાવેલા તળાવો, કુંડ સહિતનાં માળખા દ્વારા 11 અબજ ક્યુબિક મીટર પાણીનું સંચય કરવામાં આવ્યું છે.
મન કી બાત કાર્યક્રમની 120મી કડીમાં પ્રધાનમંત્રીએ ગુજરાતમાં એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વન, એકતા નર્સરી, વિશ્વ વન અને મિયાવાકી ફોરેસ્ટમાં મોટા પ્રમાણમાં જોવા મળતા કૃષ્ણકમલ ફુલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે શ્રોતાઓને આવા ફુલોની રસપ્રદ યાત્રા અંગે લખવા આહવાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આ ઉનાળાની રજાઓમાં નવા શોખ કેળવવા અને રચનાત્મક કાર્યો કરવા સલાહ આપી હતી. પ્રધાનમંત્રીએ શ્રોતાઓને ઉનાળાનાં વેકશન માટે તૈયાર કરવામાં આવેલા માય ભારતના વિશેષ કેલેન્ડરની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ વિલેજ અભિયાનમાં વિદ્યાર્થીઓ સરહદી ગામડાઓનો અનોખો અનુભવ લઈ શકે છે. તાજેતરમાં પૂર્ણ થયેલા ખેલો ઇન્ડિયા પેરાગેમ્સમાં ખેલાડીઓનાં સમર્પણ અને પ્રતિભાની તેમણે પ્રશંસા કરી હતી.
શ્રી મોદીએ દિલ્હીમાં પ્રથમ વાર આયોજિત ફિટ ઇન્ડિયા કેમ્પેઇનો ઉલ્લેખ કરીને લોકોને પોતાનાં વિસ્તારોમાં પણ આવા કાર્નિવલનું આયોજન કરવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આડે 100થી ઓછા દિવસ બાકી છે ત્યારે લોકોને તેમનાં જીવનમાં યોગ અપનાવવા વિનંતી કરી હતી.
પ્રધાનમંત્રીએ આજથી શરૂ થયેલી ચૈત્ર નવરાત્રિ સહિતનાં તહેવારો પ્રસંગે સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.