પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ભવિષ્ય વિશે વૈશ્વિક ચર્ચાઓના કેન્દ્રમાં જ નથી, પરંતુ આ ચર્ચાઓનું નેતૃત્વ પણ કરી રહ્યું છે.
ગઈકાલે દિલ્હીમાં એક મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારતે વૈશ્વિક સ્તરે એક એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે જે તેણે પહેલાં ક્યારેય મેળવ્યું ન હતું. તેમણે કહ્યું કે, વૈશ્વિક મંચો અને અગ્રણી દેશોનો ભારતમાં વિશ્વાસ પહેલા કરતાં વધુ મજબૂત બન્યો છે.
PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત 2014 થી ઝડપી વિકાસના માર્ગ પર છે. માત્ર એક દાયકામાં, ભારત વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓ માંની એક બની ગયું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારત આગામી વર્ષોમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. તેમણે કહ્યું કે, ભારત પ્રથમ ત્રણ ઔદ્યોગિક ક્રાંતિ ચૂકી ગયું પરંતુ ચોથીમાં વિશ્વ સાથે આગળ વધવા માટે તૈયાર છે.