પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું. બંને નેતાઓએ વેપાર સંબંધોને મજબૂત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને દેશોના ઉદ્યોગના ટોચના પ્રતિનિધિઓએ સંરક્ષણ, એરોસ્પેસ, કૃત્રિમ બુદ્ધિમત્તા, માળખાગત સુવિધાઓ અને ટકાઉ વિકાસના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
પ્રધાનમંત્રીએ વૈશ્વિક રોકાણ સ્થળ તરીકે ભારતના વધતા આકર્ષણ પર પ્રકાશ પાડી સ્થિર નીતિઓ અને તાજેતરના આર્થિક સુધારાઓ પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રીએ ફ્રેન્ચ કંપનીઓને સંરક્ષણ, ઊર્જા, ઉડ્ડયન, અવકાશ, ફિનટેક અને આરોગ્યસંભાળ ક્ષેત્રોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું.
વિદેશમંત્રી એસ. જયશંકરે પણ ફોરમને સંબોધિત કર્યું અને AI અને નવીનતા માટે વૈશ્વિક અને સમાવિષ્ટ અભિગમના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે મુખ્ય ક્ષેત્રોમાં ભારત-ફ્રાન્સ અને ભારત-યુરોપિયન સંઘ વચ્ચે સહયોગને મજબૂત બનાવવા, ઉત્પાદનમાં વૈવિધ્યકરણ કરવા અને સરળ પુરવઠા શૃંખલા બનાવવા અંગે વાત કરી. તેમણે સ્વચ્છ ઉર્જા, માળખાગત સુવિધાઓ અને સંરક્ષણ ઉત્પાદનમાં નવી તકો પર પણ પ્રકાશ પાડ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું.
