આજે સશસ્ત્ર દળો અને દેશ માટે તેમના અપાર બલિદાનને માન આપવા માટે 77મા સેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સેના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૈનિકો, સેનાના ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા સંદેશમાં, રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સેનાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, સૈનિકો દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવામાં ફાળો આપે છે. તેમણે કહ્યું કે, સૈનિકોએ આપણી સરહદોનું રક્ષણ કરવામાં સતત અસાધારણ હિંમત અને વ્યાવસાયિક ધોરણો દર્શાવ્યા છે. રાષ્ટ્ર, માતૃભૂમિની સેવામાં સેનાના અસંખ્ય બલિદાનોને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર વિવિધ સુધારાઓ અને આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સશસ્ત્ર દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. દેશના નાગરિકો દરરોજ કરોડો ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરનારા બહાદુર સૈનિકોના બલિદાનને યાદ કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સૈનિકોએ તેમના અદમ્ય બહાદુરી અને હિંમતથી ભારતીય સેનાને વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાં સ્થાન અપાવ્યું છે. તેમણે રાષ્ટ્ર માટે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને પણ સલામ કરી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પણ સેના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ દિવસ ભારતીય સેનાના અતૂટ સમર્પણ, હિંમતની ઉજવણી કરે છે. ભારતીય સેનાએ દેશની સુરક્ષા અને એકતાનો પાયો છે.