રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ2025 માં ભાગ લઈ રહ્યા છે. શ્રી મોદીએ એક પ્રદર્શનની મુલાકાત લીધી અને યુવા નેતાઓ સાથે વાતચીત કરી. યુવાનો પ્રધાનમંત્રી સમક્ષ વિકસિત ભારત માટે તેમની પ્રસ્તુતિઓ પ્રદર્શિત કરી રહ્યા છે. આ પ્રસ્તુતિઓ ભારતના કેટલાક સૌથી મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવા માટે નવીન વિચારો અને ઉકેલોને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદી દેશના ભાવિ નેતાઓને પ્રેરણા, અને સશક્તિકરણ માટે રચાયેલ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે.
ત્રણ દિવસીય કાર્યક્રમ શુક્રવારથી શરૂ થયો હતો, જે યુવાનોને વિકસિત ભારત માટે નવીન ઉકેલો રજૂ કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી મોદી દેશભરના ત્રણ હજાર ગતિશીલ યુવા નેતાઓ સાથે જોડાશે. પ્રધાનમંત્રી યુવા નેતાઓ સાથે બપોરના ભોજન માટે પણ જોડાશે, જેનાથી તેમને તેમના વિચારો, અનુભવો અને આકાંક્ષાઓ સીધી તેમની સાથે રજૂ કરવાની તક મળશે. તેઓ દસ વિષય પર સહભાગીઓ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોનું સંકલન પણ પ્રકાશિત કરવાના છે. આ વિષયો ટેકનોલોજી, ટકાઉપણું, મહિલા સશક્તિકરણ, ઉત્પાદન અને કૃષિ જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. વિકસિત ભારત સંવાદ યુવા નેતાઓને નીતિ નિર્માતાઓ, રાષ્ટ્રીય અને વૈશ્વિક દિગ્ગજો સાથે સીધા જોડાવાની તક આપે છે, સાથે સાથે રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવા માટે તેમના વિચારોનું યોગદાન આપે છે.