પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી ગઈકાલે સાંજે ભુવનેશ્વર પહોંચ્યા હતા. ઓડિશાના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ઓડિશા સરકારના સહયોગથી આયોજિત ૧૮મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ૮ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન ભુવનેશ્વરમાં યોજાયું છે. આ કાર્યક્રમ ભારતીય સમુદાય ના સભ્યોને એકબીજા સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ૫૦ થી વધુ દેશોના પ્રતિનિધિઓએ આ સંમેલનમાં હાજરી આપવા માટે નોંધણી કરાવી છે, જે “વિકસિત ભારતમાં ભારતીય સમુદાયના યોગદાન” થીમ પર કેન્દ્રિત છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સંમેલનના સમાપન સમારોહમાં હાજરી આપવા માટે આજે સાંજે ભુવનેશ્વર પહોંચશે. રાષ્ટ્રપતિ ભારતીય સમુદાયના સભ્યોને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓને માન્યતા આપવા માટે પ્રવાસી ભારતીય સન્માન પણ પ્રદાન કરશે.
આકાશવાણી દિલ્હી આજે ઉદ્ઘાટન કાર્યક્રમની ઓફ-ટ્યુબ ટિપ્પણી પ્રસારિત કરશે. તે ‘ઇન્દ્રપ્રસ્થ’, ‘એફએમ ગોલ્ડ’ અને ‘આકાશવાણી લાઈવ ન્યૂઝ 24×7’ પર સવારે 9:55 મિનીટથી સાંભળી શકાય છે. આ પ્રસારણ આકાશવાણીની યુટ્યુબ ચેનલ ‘આકાશવાણી એઆઈઆર’ પર પણ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 9:41 એ એમ (AM)