પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવશે. જેનો ઉદેશ્ય પોષણ સંબંધિત સેવાઓના સુદઢ અમલીકરણ અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને સુખાકારીમાં વધારો કરવાનો છે.
આ કાર્યક્રમમાં અંદાજે ત્રણ હજાર 500 બાળકો અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વીર બાળ દિવસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને દેશ પ્રત્યે સમર્પણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સમગ્ર દેશમાં વિવિધ પહેલો પણ ચલાવવામાં આવશે. જેમાં MyGov અને My Bharat પોર્ટલ દ્વારા પ્રશ્નોત્તરી સહિતની શ્રેણીબદ્ધ ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરાશે.
શાળાઓ, બાળ સંભાળ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં વાર્તા કહેવા, રચનાત્મક લેખન, પોસ્ટર બનાવવા જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ વર્ષ 2022 માં, ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રોના બલિદાનના સન્માનમાં 26મી ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.