પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નાઇજીરિયામાં ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
અગાઉ, બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ એક માત્ર એવાં નેતા હતા જેમને આ પુરસ્કાર અર્પણ કરાયો હતો. પ્રધાનમંત્રી મોદીને કોઇ દેશ દ્વારા આપવામાં આવેલો આ 17મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે.
પ્રધાનમંત્રી નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાના એમ ત્રણ દેશોની પાંચ દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં ગઈકાલે રાત્રે નાઈજીરીયા પહોંચ્યા હતા. નાઇજિરિયામાં વસતા ભારતીય સમુદાયે ગઈ રાત્રિએ અબુજા ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
તેઓ આજે અબુજામાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના પગલાં અંગે ચર્ચા કરશે. મંત્રણા બાદ અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નાઈજીરીયામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. છેલ્લાં 17 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત છે.
શ્રી મોદીએ પોતાની સંસ્કૃતિ અને મૂળિયા સાથે વળગી રહેવા નાઇજીરિયાનાં મરાઠી સમુદાયની પ્રશંસા કરી છે. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે, નાઇજીરિયામાં રહેતા મરાઠી સમુદાયે મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી તેમની મુલાકાતના બીજા તબક્કામાં આવતીકાલે બ્રાઝિલમાં G20 સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેઓ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો પરિપ્રેક્ષ્ય રજૂ કરશે અને તાજેતરમાં ભારતમાં યોજાયેલી G20 અને વૉઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટના પરિણામો વિશે પણ ચર્ચા કરશે.
વિદેશ પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19 થી 21 નવેમ્બર સુધી ગયાનાની મુલાકાત લેશે.
Site Admin | નવેમ્બર 17, 2024 2:53 પી એમ(PM)