પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિના 46માં સત્રનું નવીદિલ્હી ખાતે ઉદ્ઘઘટન કર્યું. ભારત પહેલીવાર આ બેઠકની યજમાની કરી રહ્યું છે, જે 31 જુલાઈ સુધી ચલશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરના ભંડોળની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું આ ભંડોળનો ઉપયોગ વૈશ્વિક ધરોહરોની જાળવણીની દિશામાં ક્ષમતા વિકાસ તેમજ તકનિકી સહાય માટે ઉપયોગમાં લેવાશે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે ભંડોળનો ઉપયોગ ખાસ કરીને દક્ષિણ એશિયાઈ દેશો માટે થશે. ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે ભારત વૈશ્વિક ધરોહર સ્થળોની જાળવણી માટે વૈશ્વિક અને સામુદાયિક સહકાર માટે પ્રતિબદ્ધ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભારતની ધરોહર માત્ર ઇતિહાસ નથી પરંતુ વિજ્ઞાન છે.
શ્રીમોદીએ ઉમેર્યું કે પાછલા કેટલાક વર્ષોમાં સરકારે 350થી વધુ ધરોહર સ્થળોનું પુનરોત્થાન કર્યું છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ એ ધરતી પર થઈ રહ્યો છે, જે વિશ્વની સૌથી પૌરાણિક નાગરિક સભ્યતા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતનો દૃષ્ટિકોણ વિકાસ સાથે વારસો પણ છે. છેલ્લા દસ વર્ષોમાં ભારતે આધુનિક વિકાસના નવા પરિમાણ હાંસલ કર્યા છે, અને પોતાના વારસાની જાળવણી માટે મહત્વના પગલાં લીધા છે. શ્રી મદીએ કહ્યું કે પૂર્વોત્તરના ઐતિહાસિક મોઇદામને યુનેસ્કોની વૈશ્વિક ધરોહર યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ છે. જે વૈશ્વિક દરજ્જો મેળવનારું દેશની 43મી વૈશ્વિક ધરોહર તેમજ પૂર્વોત્તર ભારતની પ્રથમ ધરોહર બનશે. દિલ્હીમાં આયોજીત વૈશ્વિક ધરોહર સમિતિની આ બેઠકમાં 150 દેશોનાબે હજારથી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે.