પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં “ભારત વિકાસ સપ્તાહ” ઉજવણી થઇ રહી છે.
આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આ ઉજવણીના ભાગરૂપે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ૨૧ કરોડના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્ય ગામડાઓના સર્વાંગી વિકાસમાં હમેશા અગ્રેસર રહ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર ખાતે પ્રભારી મંત્રી બળવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં શહીદ સ્મારકથી વીરાંજલી વન સુધી વિકાસ પદયાત્રા યોજાઇ. જેમાં અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા..
વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર મંદિર પરિસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેવી જ રીતે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલ નડાબેટ ખાતે તેમજ ભુજના સ્મૃતિવન સ્મારક અને મ્યુઝિયમની ઇમારતને પણ રોશનીથી શણગારવામાં આવી છે.
આ ઉપરાંત કચ્છની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓએ ભારત વિકાસના શપથ લીધા.
પંચમહાલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ.
જેમાં આગામી ૧૫ મી ઓક્ટોબર સુધી જિલ્લામાં થનાર વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમો અંગે માહિતી અને જરૂરી સૂચનો અપાયા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઢાંકી પંપીંગ સ્ટેશન રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ચોટીલા ખાતે ભક્તિવન, દુધરેજ ખાતે વટેશ્વર વન અને વઢવાણ ખાતે હવા મહેલ સહિતના સ્થળોએ પણ સુશોભન કરાશે. લીંબડીની વિવિધ કચેરીઓમાં વિકાસ સપ્તાહ નિમિતે શપથ ગ્રહણ કરાયા.
ખેડા જિલ્લાની તમામ શાળાઓમાં આ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી.
મહેસાણા જિલ્લામાં વિવિધ કચેરીઓમાં અધિકારીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી.