પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના ગોરેગાંવમાં એન્જિનિયરિંગ સર્વિસ કંપની – નેસ્કો પ્રદર્શન કેન્દ્ર ખાતેથી 29 હજાર 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માર્ગ, રેલવે અને બંદર યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે, શ્રી મોદી ભારતીય સમાચાર સેવા સચિવાલય ખાતે INS ટાવરનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી 16 હજાર 600 કરોડ રૂપિયાના થાણે બોરીવલી ટનલ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. અંદાજે 12 કિલોમીટર લાંબી ડબલ ટ્યુબ ટનલ થાણેથી બોરીવલી સુધીની મુસાફરીમાં 12 કિલોમીટરનો ઘટાડો કરશે અને મુસાફરીમાં લગભગ એક કલાક ઓછો સમય લાગશે.
આ ઉપરાંત શ્રી મોદી 6 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટમાં ટનલના કામનો શિલાન્યાસ પણ કરશે. તેઓ નવી મુંબઈના તુર્ભે ખાતે કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અને ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ નંબર 10 ના કરાયેલા વિસ્તરણને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી અંદાજે 5 હજાર 600 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજનાનો પણ આરંભ કરશે. આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય 18 થી 30 વર્ષની વયના યુવાનોને કૌશલ્ય અને ઉદ્યોગની તકો પૂરી પાડીને રોજગારી આપવાનો છે.
Site Admin | જુલાઇ 13, 2024 3:11 પી એમ(PM)