પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડિજિટલ જાહેર માળખુ એક સેતુ હોવો જોઈએ, અવરોધ નહીં. ગઈકાલે રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં સમિટ ઓફ ફ્યુચરમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે વૈશ્વિક ફાયદા માટે, ભારત તેનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરવા માટે તૈયાર છે.પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટેકનોલોજીના સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઉપયોગ માટે સંતુલન અને નિયમન પર ભાર મૂક્યો હતો.. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વ એવું વૈશ્વિક ડિજિટલ ગવર્નન્સ ઈચ્છે છે જેમાં સાર્વભૌમત્વ અને અખંડિતતા અકબંધ રહે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે માનવતાની સફળતા યુદ્ધના મેદાનમાં નહીં પણ સામૂહિક શક્તિમાં રહેલી છે. શાંતિ અને સુરક્ષા પરના જોખમો પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે એક તરફ આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
બીજી તરફ, સાયબર, દરિયાઈ અને અવકાશ સંઘર્ષ નવા પડકાર તરીકે ઉભરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે વૈશ્વિક ભવિષ્ય વિશે ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણે માનવ કેન્દ્રિત અભિગમને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ.
ટકાઉ વિકાસને પ્રાથમિકતા આપતી વખતે, આપણે માનવ કલ્યાણ, ખોરાક અને આરોગ્ય સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ. ભારતમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને અમે દર્શાવ્યું છે કે ટકાઉ વિકાસ સફળ થઈ શકે છે.
અમે ગ્લોબલ સાઉથ સાથે અમારી સફળતાના અમારા અનુભવો શેર કરવા તૈયાર છીએ. મલ્ટી લેટરલ સંસ્થાઓના સુધારા વિશે વાત કરતા પીએમએ કહ્યું કે વૈશ્વિક સંસ્થાઓને સુધારાની જરૂર છે કારણ કે સુધારાઓ સુસંગતતાની ચાવી છે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ G20માં સ્થાયી સભ્ય તરીકે આફ્રિકન યુનિયનના સમાવેશને પણ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. પીએમ મોદીએ ‘એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય’ની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.